Saturday, August 6, 2016

વાસુદેવ બળવંત ફળકે
સ્વતંત્રતાની ચળવળના વિરલાઓ-1

Inline image 1
*પ્રિયદર્શી દત્તા

1970ના દાયકાના મધ્યભાગમાં એક ગોરો વાન અને સુદ્રઢ બાંધો ધરાવતો 30 વર્ષ આસપાસની ઉંમર ધરાવતો યુવાન પૂનાની ગલીઓમાં થાળી અને વેલણ વગાડીને ફરતો હતો. થાળી ઉપર વેલણ પછાડતાં તે પોતાના આગામી પ્રવચનની જાહેરાત કરતો હતો અને કહેતો કે "તમામ લોકોએ શનિવાર-વાડા મેદાન ખાતે સાંજે આવવાનું છે" તે પછી તે કહેતો કે "આપણો દેશ આઝાદ થવો જોઈએ અને અંગ્રેજોને હાંકી કાઢવા જોઈએ. તેમને હાંકી કાઢવાના માર્ગો અને સાધનો વિશે હું મારા પ્રવચનમાં વાત કરીશ."
આ વ્યક્તિનું નામ હતું વાસુદેવ બળવંત ફળકે. તે પૂનાની મિલિટ્રી ફાયનાન્સ ઓફિસનો કર્મચારી હતો. તા.4 નવેમ્બર, 1845ના રોજ શીરડોન (થાણા જિલ્લા) ખાતે તેનો જન્મ થયો હતો. તેનો પરિવાર કોંકણ નજીકના એક નાનકડા ગામ કેલશીથી આવતો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી જે કેટલાક પહેલા સ્નાતકો બહાર પડ્યા તેમાં તેનો સમાવેશ થતો હતો. 1865માં મુંબઈ આવતા પહેલા તેણે કેટલીક સરકારી સંસ્થાઓમાં કામ કર્યું હતું. આ સંસ્થાઓમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને મુંબઈ ખાતેની કમિશ્નરેટ એક્ઝામિનર્સ ઓફિસનો સમાવેશ થતો હતો. આવી વ્યક્તિ સરકાર વિરોધી પ્રચાર કરે તે માન્યામાં આવે નહીં તેવી વાત હતી, પરંતુ તે આવી વાતો ધોળે દિવસે કરતો હતો. એ વખતે બ્રિટીશરોને દેશમાંથી હટાવવાની વાત કરતી તે એકમાત્ર વ્યક્તિ હતી. એ સમયે પશ્ચિમ ભારતના ઉમદા જાહેર જીવનમાં બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન અને પૂના સાર્વજનિક સભા વગેરે સ્થળોનો સમાવેશ થતો હતો અને ત્યાં પણ માત્ર બંધારણિય રાજકારણ અંગેની વાતો થતી હતી.
પૂનામાં તેણે જે પ્રવચનો કર્યા તેનાથી ભારે હલચલ મચી ગઈ. લોકો તેને સાંભળવા માટે ઉમટી પડતા હતા. તેણે દર રવિવારે પનવેલ, પલાસ્પે, કાસગાંવ અને નારસોબાચી વાડીથી પ્રવચનો કરીને લોકોને સંબોધવાની શરૂઆત કરી હતી. દેખીતી બાબત એ હતી કે ભારતમાં આ પ્રકારે રાજકિય પ્રચાર કરનાર તે પ્રથમ વ્યક્તિ હતી. તેના પ્રવચનોથી કોઈ ધાર્યું પરિણામ મળ્યું નહીં અને તેની અપેક્ષા હતી તે પ્રમાણે કોઈએ બળવો કર્યો નહીં. ત્યારબાદ તેણે જાહેર પ્રવચનો આપવાનું બંધ કર્યું. તેણે એક ગુપ્ત સંસ્થાની સ્થાપના કરી. તે અવારનવાર અખાડા અથવા તો સ્થાનિક જીમ્નેશિયમમાં જતો અને પોતાનો બાંધો કેળવતો હતો. પૂના એ સમયે મરાઠા ઈતિહાસને કારણે જાણીતું હતું. તોરણા અને પ્રચંડ ઘાટ એ શિવાજીએ આ વિસ્તારમાં કબજે કરેલા પ્રથમ કિલ્લાઓ હતા. આ કિલ્લાઓ શહેરથી ખાસ દૂર ન હતા. ફળકેએ પૂના નજીક ગુલ ટેકરી હીલ ખાતે શારીરિક  તાલીમની શિબિર શરૂ કરી.
એક સુસંગઠીત ક્રાંતિકારી સંગઠન રચવાની બાબતને ફળકેએ અગ્રતા આપી. તેણે 4 જૂથોની રચના કરી. એમાંનું પહેલુ ગ્રુપ તેમના શિક્ષકોને જાણ ન થાય તે રીતે શાળાની બહાર ગુપ્ત સ્થળોએ વિદ્યાર્થીઓની બેઠકો યોજતું હતું. આ બેઠકોમાં ફળકેની સંસ્થાનો પ્રવક્તા વિદ્યાર્થીઓને આઝાદીનો સંદેશો આપતા હતા. બીજા જૂથમાં એક હરતા ફરતા બેન્ડનો સમાવેશ થતો હતો, જે શહેરમાં ઘૂમીને સવારે દેશભક્તિના ગીતો રજૂ કરતું હતું. ત્રીજુ જૂથ સાંજે બ્રિટીશ શાસન અંગે કટાક્ષ કરતા ગીતો ગાતું હતું અને લોકોની વેદના વ્યક્ત કરતું હતું. ચોથા અને સૌથી મહત્વના ગ્રુપમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હાથ ધરનાર લોકોનો સમાવેશ કરાયો હતો. ફળકેએ સંદેશા વ્યવહારની એક નવી પધ્ધતિ શોધી કાઢી હતી. તેણે લોકોને લાગણી અને આધ્યાત્મની ભાવના સાથે જોડીને તેમનામાં પડેલી દેશભક્તિની ભાવના જગાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ બધી ઘટનાઓ દ્વારા ફળકેએ પોતાની જાતને આઝાદીની લડતમાં પાયોનિયર પૂરવાર કરી હતી. તેમણે તિલક, લાલા લજપતરાય અને બિપીનચંદ્ર પાલની પહેલા દેશભક્તિની એક જાહેર સંસ્કૃતિ વિકસાવી હતી. એ પછી 1876-77માં મહારાષ્ટ્રમાં મોટો દુષ્કાળ પડ્યો. તેમણે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી અને ત્યાં થયેલો વિનાશ જાતે જોયો. તેમણે લોકોની હાલત માટે બ્રિટીશ રાજની નીતિઓને જવાબદાર ગણાવી અને તેનામાં ક્રાંતિ કરવા માટેની ભાવના સતત સબળ બનતી ગઈ.
અહીં પણ તેણે પોતાને  ભારતીય ક્રાંતિના પિતામહ તરીકેનું પાયોનિયર સ્થાન પ્રાપ્ત કર્યું. તા.20 ફેબ્રુઆરી, 1879ના રોજ ઢળતી રાત્રે ફળકે અને વિષ્ણુ ગદરે, ગોપાલ સાઠે, ગણેશ દેવધર અને ગોપાલ હરી કર્વે જેવા લોકોએ મળીને પૂનાની ઉત્તરે આવેલા લોનીમાં બહારની જગાએ 200 વ્યક્તિઓનું એક દળ ઊભું કર્યું. સંભવત: ભારતનું આ પ્રથમ ક્રાંતિકારી સૈન્ય હતું. ફળકે એ સમજાવ્યું કે બળવો કરવા માટે લૂંટફાટ કરવી જરૂરી છે. તેણે કહ્યું કે પોતાનું ઘર છોડવાનો અને ચળવળમાં સામેલ થવાનો સમય આવી ગયો છે. આ પ્રસંગે તેણે આપેલા પ્રવચનમાં કહ્યું કે  "આપણે પોલીસ અને સરકાર સામે લડત કરવાની છે."
આ બધા સમય દરમિયાન તે ખૂબ જ જોખમી જીવન જીવી રહ્યો હતો. નાણાં અને શસ્ત્રો એકઠા કરવા માટે  ફળકેના જૂથે મુંબઈની નજીકમાં અને ત્યારબાદ કોંકણ વિસ્તારમાં હિંમતભરી કેટલીક લૂંટો કરી. આ કારણે બ્રિટીશરોની કરોડરજ્જુ સમસમી ગઈ હતી. ફળકેનું નામ લેતા જ સમગ્ર  વિસ્તારમાં ભયનું એક લખલખું  અને પ્રેરણા પ્રસરી જતી હતી.   મે 1879માં ફળકેએ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિઓ સામે લડવાની પ્રસિદ્ધ ઘોષણા કરી અને અને બ્રિટીશરોને  ચેતવણી આપી. આ ઘોષણાની નકલો ગવર્નર, કલેક્ટરો અને સરકારી ઓફિસરોને ટપાલથી મોકલવામાં આવી. આનાથી દેશભરમાં એક સનસનાટી મચી ગઈ. આ  બળવાને કારણે બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદ મઠ નવલકથા (1882)માં જે પ્લોટની વાત કરી હતી તેને આડકતરી રીતે બદલવો પડ્યો હતો તેવું કહેવામાં આવે છે.  
તા.3 જૂન 1879ના ધ ટાઈમ્સમાં ફળકેના અભિગમ વિશે એક લાંબો તંત્રી લેખ લખવામાં આવ્યો. આ લેખમાં સરકારને  લોકોમાં વ્યાપેલા અસંતોષને દૂર કરવા  અને જમીન અંગેની નીતિઓ સુધારવાની સલાહ આપવામાં આવી હતી. બ્રિટીશ લોકો આમ છતાં તેમની પક્કડ મજબૂત કરતા જતા હતા. ફળકેની ટૂંકી કારકીર્દિ લગભગ પૂરી થવા આવી હતી. તે મહારાષ્ટ્રથી આંધ્રપ્રદેશમાં કુર્નૂલ જિલ્લામાં આવેલા શૈલમલ્લિકાર્જુન નામના જ્યોતિર્લીગ જવા નિકળ્યો હતો. તેની આત્મકથાનો બીજો ભાગ તા.25 એપ્રિલ 1879ના રોજ પૂરો થયો હતો. તેણે નિષ્ફળ જવા બદલ ભારતના તમામ લોકોની માફી માગી હતી. આ પવિત્ર સ્થળની મુલાકાત લઈ તે છત્રપતિ શિવાજીની જેમ પોતાની જાતનું બલિદાન આપવા માગતો હતો, પણ ત્યાંના પૂજારીએ તેને આવુ કરતા રોક્યો.
તેણે નિઝામના દળમાં રોહિલા, શીખ અને આરબોમાં નવી ક્રાંતિ ભરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તેના દૂતો ભારતના વિવિધ ભાગોમાં મોકલ્યા, પરંતુ તેના આયોજનો સફળ થયા નહીં. તા.20 જુલાઈ, 1879ના રોજ દેવર નવાગડી ખાતે તેની ધરપકડ પછી તેની ચળવળનો અંત આવ્યો.
પૂનાની ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા કરી. ત્યાં ભેગા થયેલા લોકોએ ફળકેની તરફેણમાં ગૌરવ અને રોષ સાથે સૂત્રોચ્ચાર કર્યો. જેલમાં હતો તે દરમિયાન તેને ટ્યૂબરક્લોસીસ (ટીબી) થયો હોવાનું જણાયું. એ દિવસોમાં આ રોગની કોઈ દવા નહોતી. ફળકેએ આજીવન સજાના બદલે મરવાનું પસંદ કર્યું. તમે આઝાદીના એક લડવૈયા પાસે આથી વધુ શું અપેક્ષા રાખી શકો? તા.17 ફેબ્રુઆરી, 1883ના રોજ 37 વર્ષની ઉંમરે તેનું મોત આવી પહોંચ્યું. મહારાષ્ટ્રમાં વીર સાવરકરનો જન્મ જે વર્ષે થયો તેના એક વર્ષ પછી ફળકે મૃત્યુને  ભેટ્યા હતા.
***
ફળકેની ક્રાંતિકારી કારકીર્દિ ટૂંકી હશે, પણ ભારતની આઝાદી માટે સશસ્ત્ર ચળવળનો માર્ગ સૌ પ્રથમ ફળકેએ બતાવ્યો હતો.
* લેખક સ્વતંત્ર સંશોધક અને કોમેન્ટેટર છે. આ લેખમાં દર્શાવેલા અભિપ્રાયો તેમના વ્યક્તિગત છે.

No comments: